નવસારી જિલ્લામાં નકલી દસ્તાવેજો બનાવી લોકોને છેતરતા તત્વો સામે નવસારી પોલીસ એક્શન મોડમાં આવી છે. નવસારી એસ.ઓ.જી. (SOG) ટીમે ચોક્કસ બાતમીના આધારે વાંસદા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપતા એક શખ્સને ઝડપી પાડી મોટો કૌભાંડ બહાર લાવ્યો છે.
ચીખલી તાલુકાના વેલણપુર ગામનો 31 વર્ષીય જીગરકુમાર ભીખુભાઈ પટેલ આ કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા વાંસદાના મહારાજા ગેસ્ટ હાઉસ સામે જાહેર રોડ પરથી આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ચીપ વગરના 32 લાયસન્સ, ચીપવાળા 21 લાયસન્સ અને 6 લર્નિંગ લાયસન્સ સહિત કુલ 59 નકલી લાયસન્સ તેમજ એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપી પોતાના મોબાઈલ ફોનમાં ‘પિક્સ આર્ટ’ (PicsArt) એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી લાયસન્સ બનાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. તે ગ્રાહકો પાસેથી વોટ્સઅપ મારફતે જરૂરી દસ્તાવેજો મંગાવી તેમાં એડિટિંગ કરીને અસલ જેવા દેખાતા નકલી લાયસન્સ તૈયાર કરતો હતો.
નકલી લાયસન્સની પી.વી.સી. પ્રિન્ટ કાઢીને તે દરેક ગ્રાહક પાસેથી રૂ. 4000 થી 4500 સુધીની રકમ વસૂલતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
