નવસારીના શહેરી જનોના જણાવ્યા અનુસાર નવસારીના ઇટાળવા થી તીઘરા વિસ્તારમાં રાત્રી દરમ્યાન અનેક બેફામ કાર ચાલકો દોટ મુકતા હોય છે સ્થાનિકો દ્વારા જયારે તેમને સમજાવવામાં આવે છે ત્યારે આ નબીરાઓ ઉતરીને મારવાની ધમકીઓ આપતા હોય છે. જોકે આવા નબીરાઓ પર નેત્રમ કેમેરા દ્વારા પોલીસ કડક કાર્યવાહી કરી મેમો મોકલશે કે કેમ તે પ્રશ્નાર્થ છે….
બીજી તરફ નવસારી શહેરમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સુશ્રુષા હોસ્પિટલ નજીક યોજાયેલા લગ્નના ગરબા કાર્યક્રમમાં અચાનક એક કાળમુખી કાર ઘુસી જતા ખુશીના માહોલમાં અફરાતફરી મચી ગઈ. બેફામ ગતિએ આવતી આ કારએ ગરબા રમતા લોકોને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે હાજર લોકોએ કારચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. અકસ્માત બાદ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ અને લગ્નની ખુશીઓ પળોમાં જ માતમમાં ફેરવાઈ ગઈ.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ સંભાળી.
આ મામલે પરિવારજનો દ્વારા વિજલપોર પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. પોલીસે ઈજાગ્રસ્તો તથા સાક્ષીઓના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે.
