નવસારી બારડોલી રોડ પર નસીલપોર ગામે રસ્તો ક્રોસ કરતા દીપડો કાર સાથે અથડાયો. ત્યાર બાદ અકસ્માતમાં ઘાયલ દીપડો રસ્તા પર પડી રહેતા લોક ટોળું ભેગું થયુ. દરમિયાન અચાનક દીપડાએ સ્વસ્થતા કેળવી લોકો પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો.
દીપડો નસીલપોર ખાતે ઇમ્તિયાઝ રાવતના ઘરમાં ઘૂસવા જતા બાઈક સાથે પણ અથડાયો. રાવત પરિવારે સમય સૂચકતા વાપરી ઘરના બારણા બંધ કર્યું. ઈમ્તિયાઝ રાવત સાથે ગામની જીનલ પટેલ પણ દીપડાથી બચવા ભાગી હતી. આ સમગ્ર ઘટના દરમ્યાન જીનલના પગમાં ઈજા થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ.
ઘર આંગણામાં મૂકેલી બાઈક સાથે અથડાયા બાદ દીપડો ઘરના વાડામાંથી શેરડીના ખેતરમાં ભાગી છુટ્યો. ઘટનાની જાણ વન વિભાગને કરાતા RFO સહિત વનકર્મીઓ તેમજ વાઇલ્ડ લાઇફ NGO ના સભ્યો દીપડાને શોધવા નસીલપોર ગામે પહોંચ્યા. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા અને તેના દ્વારા એટેક કરાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.