દેશ આજે બાળ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરામાં હૃદય હચમચાવી નાખે એવો દોહરું હત્યાકાંડ સામે આવ્યું છે. બીલીમોરાના દેવસર વિસ્તારમાં રહેતી એક મહિલાએ મધરાતે પોતાના બે નાનાં દીકરાઓનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાનું કહેવું છે કે તેને સપનામાં “બાળકોને મારી નાખ” એવો આદેશ મળ્યો હતો.
પોલીસને પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી સુનિતા શર્માના પતિને ટાઇફોઇડ હોવાથી તે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. ગઇકાલે મોડી રાત્રે ઘરે માત્ર સાસરો અને બે બાળકો જ હતા. એ દરમિયાન મહિલાએ તેના સાત વર્ષીય પુત્ર હર્ષ અને ચાર વર્ષીય દેવનું ગળું દબાવીને મોત નિપજાવ્યા.
આ પછી મહિલાએ તેના સસરા ઇન્દ્રપાલ શર્મા પર પણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સસરા ઘરમાંથી ભાગી છૂટતા તેમનો જીવ બચ્યો. તેઓએ બૂમાબૂમ કરતા પડોશીઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.